+91-8156078064
+91-8469327630
SCHEDULE A CONSULTATION
Dr.Chirag Thakkar

પિત્તાશયની પથરીની સર્જરી: સર્જરી પહેલાં, દરમ્યાન,તથા પછી શું થાય છે તે જાણો

પિત્તાશયની પથરીની સર્જરી એક ખૂબ સામાન્ય રીતે કરવામાં આવતી સર્જરી છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિ સિવાય, મોટેભાગે તે લેપ્રોસ્કોપીક પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે કે તે minimally invasive method થી કરવામાં આવે છે. એક ડોક્ટર તરીકે હું સમજું છું કે, પિત્તાશયની પથરીની સર્જરી એક સાવ સામાન્ય પ્રકારની સર્જરી હોવાં છતાં જેને સર્જરી કરાવવાની હોય તેઓને સર્જરી બાબતે ઘણી બધી ચિંતા હોય છે. અને મેં મારા દર્દીઓ પાસેથી એટલું શીખ્યું છે કે, સર્જરીની સારવાર ની આખી પ્રક્રિયા દરમિયાન, ખરેખર શું અને કેવી રીતે થાય છે તે જાણ્યા પછી તેમની આ ચિંતા ચોક્કસથી ઘટે છે. એટલાં માટે જ, આ આર્ટિકલ પિત્તાશયની પથરીની સર્જરીની રાહ જોતાં દર્દીઓને સર્જનની નજરે આ સમગ્ર પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે છે.

પિત્તાશયની પથરીની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાની તૈયારીઓ

એકવાર તમારા પિત્તાશયની પથરીની સર્જરી, તેની તારીખ, તથા સમય નક્કી થઈ જાય ત્યારબાદ, સજિર્કલ ટીમ ઓપરેશનના સમયની માહિતી આપવા માટે ઓપરેશન થિયેટર ઇન્ચાર્જનો સંપર્ક કરે છે. ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ સર્જરીની તારીખ અને સમય વિષે એનેસ્થેટિસ્ટ ડોક્ટરને જાણ કરે છે. સર્જન પણ એનેસ્થેટિસ્ટ ડોક્ટરને કોલ કરીને સર્જરીનું શું આયોજન છે તથા સર્જરી દરમ્યાન શેની જરૂર છે તે બાબતે ચર્ચા કરશે. એનેસ્થેટિસ્ટ ડોક્ટર આ સમયે જાણવા માગશે કે દર્દીને અન્ય કોઈ બીમારી છે કે નહીં, અને કોઈ દવા ચાલી રહી છે કે નહીં. સર્જરી પહેલાં એ બીમારી માટે ફરીથી કોઈ તપાસ કરવાની જરૂર છે કે નહીં, તથા દવામાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં. જો તેવું હોય તો એ પરિસ્થિતીમાં, તમારા સર્જન તમને આ બધું કરવાની સલાહ આપશે અને જરૂરત જણાય તો, સર્જરી મુલતવી રાખવામાં આવે છે.
ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ એ વાતની ખાતરી કરશે કે સર્જરી પહેલાં દરેક સાધનો યોગ્ય રીતે સ્ટરીલાઈઝ કરવામાં આવ્યા છે, દરેક સાધન યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે, અને સર્જરી દરમ્યાન સર્જરી માટે જરૂરી બધી જ સામગ્રી ઓપરેશન થિએટરમાં ઉપલબ્ધ છે.

હોસ્પિટલમાં એડમિટ થયા પછી શું કરવામાં આવે છે

એકવખત તમે હોસ્પિટલમાં દાખલ થઈ જાવ પછી, ડ્યુટી પર હાજર ડોક્ટર તમારી દરેક તપાસના રિપોર્ટને ચેક કરશે અને સર્જનના સુચનોનું પાલન કરશે. ડોક્ટર એ પણ ખાતરી કરશે કે સર્જરીના નિર્ધારિત સમયના 6 કલાક પહેલાથી તમે કોઈ ખોરાક અને પાણી લીધું નથી. ત્યારબાદ, એ તમારા સર્જન સાથે વાત કરશે અને તેમને તમારાં હોસ્પિટલમાં એડમિટ થવા બાબતે તથા તમારી દરેક તપાસના રિપોર્ટ વિષે જાણ કરશે. તમારા સર્જનને તમારાં શરીરના તાપમાન, પલ્સ, બ્લડ પ્રેસર, સુગર વિષે પણ જાણ કરવામાં આવશે. તમારા સર્જનની સલાહ મુજબ, ડ્યુટી પર હાજર ડોક્ટર, ECG, બ્લડ ટેસ્ટ, તથા X-Ray  જેવી બાકીની તપાસ પુરી કરશે.


ડોક્ટરને પણ તમારા એડમિટ થવા બાબતે, તમારા પહેલાનાં અને અત્યારનાં નવા તપાસના રિપોર્ટ બાબતે જણાવવામાં આવશે. શરીરનાં સર્જરી કરવાનાં ભાગ પર શેવિંગ કરી વાળ કાઢી નાખી સર્જરી માટે તૈયાર કરવામાં આવશે. આ સમયે સર્જરી માટે તમારી સંમતિ માટે consent  ફોર્મ પર સાઈન લેવામાં આવશે. આ બધું કરતી વખતે, ડ્યુટી પર હાજર ડોક્ટર દર્દી અને તેના સ્વજનોની ચિંતા ઓછી કરી હિંમત આપવાનો પ્રયત્ન કરશે. હોસ્પિટલમાં દરેક સર્જરી પહેલાની તમારી ચિંતાથી વાકેફ છે.

તમને એનેસ્થેસિયા આપવામાં આવે તે પહેલાં ઓપરેશન થિયેટરમાં શું થાય છે

રિકવરી રૂમમાં

સર્જરીના નિયત સમયના 10-15 મિનિટ પહેલા તમને OT ના રિકવરી રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે. ફરીથી નર્સીંગ સ્ટાફ તમારાં દરેક રિપોર્ટ જોશે. તેઓ એ પણ ખાતરી કરશે કે બધી તૈયારી યોગ્ય રીતે કરવામાં આવી છે. તમારા સર્જન અથવા એનેસ્થેટિસ્ટ અથવા બન્ને આવશે અને તમને ચિંતામુક્ત કરવાના ઉદેશ્યથી તમને મળશે. અંતમાં, ઓપરેશન થિયેટરમાં શિફ્ટ થતાં પહેલાં, તમને યુરિન પાસ કરવા માટે વોશરૂમમાં જવાનું કહેવામાં આવશે.

ઓપરેશન થિયેટરની અંદર

જયારે તમે ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કરશો ત્યારે તમે OT ના કેટલાંક સ્ટાફને વિવિધ સાધનો અને ઉપકરણોને તૈયાર કરતાં જોઈ શકશો. તમને OT ટેબલ પર સુવડાવવામાં આવશે. દવાઓને શરીરમાં દાખલ કરવા માટે એક ઇન્ટ્રાવીનસ લાઈન (IV line) તમારા હાથમાં લગાવવામાં આવશે. ECG lead, બ્લડ પ્રેશર કફ, તથા પલ્સ-ઓક્સિજન સેન્સર પણ લગાવવામાં આવે છે. તે સંપૂર્ણ સર્જરી દરમ્યાન તમારા પલ્સ, BP, ઓક્સિજન લેવલ, તથા હ્ર્દયના કાર્ય પર નજર રાખશે. આ આખી પ્રક્રિયા દરમ્યાન એનેસ્થેટિસ્ટ ડોક્ટર, OT  સ્ટાફ, તથા તમારા સર્જન તમારી સાથે વાતો કરતાં રહેશે જેથી આ બધું તમને ડરામણું ના લાગે.

 

Related Posts

તમારી સર્જરી કરનાર ટીમને ઓળખો

તમારી સર્જરી માત્ર તમારા સર્જન દ્વારા નથી કરવામાં આવતી. એક આખી ટીમ સર્જરી દરમ્યાન કાર્ય કરી રહી હોય છે. દરેક સર્જરી, ટીમનાં કેટલાય સદસ્યો દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યો મળીને થતી હોય છે, પછી ભલે તે એક સાવ સામાન્ય સર્જરી કેમ ના હોય. લેપ્રોસ્કોપીક સર્જરી પછીની નહિવત પીડા અને ઝડપી રિકવરીને કારણે આ પ્રક્રિયા ખુબ સરળ લાગી શકે છે, પરંતુ હકીકતમાં, તેવું નથી.

સર્જરીને સફળ બનાવવા માટે, સર્જરી દરમ્યાન ઓપરેશન થિયેટરમાં 6-7 વ્યક્તિઓ સક્રિય રીતે કાર્યરત હોય છે. એનેસ્થેસિયાના કાર્ય માટે, તેમાં એક એનેસ્થેટિસ્ટ અને તેમના સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે.

સર્જન સહિત આશરે ચાર વ્યક્તિ સર્જરીની પ્રક્રિયામાં જોડાયેલ હોય છે. કેમેરાનાં નિયત્રંણ માટે એક વ્યક્તિ, એક સહાયક, અને ટ્રોલી પરથી જરૂરી સામગ્રી આપવા માટે એક વ્યક્તિ સર્જનને સાથ આપે છે. કેમેરાનાં નિયત્રંણ માટે નિયુક્ત વ્યક્તિ કેમેરાનો હવાલો સંભાળે છે અને સંપૂર્ણ સર્જરી દરમ્યાન સર્જનની દ્રષ્ટિનું માર્ગદર્શન કરે છે. બીજી સહાયક વ્યક્તિ, સર્જનને સર્જરી દરમ્યાન જયારે અને  જે જગ્યાએ જરૂર પડે તે મુજબ ત્યાં સર્જરી માટે જગ્યા બનાવવામાં મદદ કરે છે. ટ્રોલી માટે નિયુક્ત સહાયક, સર્જરી દરમ્યાન સાધનોની આપ-લે તથા ટ્રોલી ઉપર જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે. આ સિવાય, એક રનર સ્ટાફને સ્ટેન્ડ-બાય રાખવામાં આવે છે, જે સર્જરી દરમ્યાન જો કોઈ અણધારી/અનપેક્ષિત  જરૂરિયાતની સ્થિતિ ઉદ્દભવે તો તેમાં મદદ કરે છે. આપને સર્જરીનું ઇચ્છિત પરિણામ આપવા માટે, એક સારા અને સંકલિત ટિમ-વર્ક ની આવશ્યકતા છે.

 

તમારી પિત્તાશયની સર્જરીમાં આગળ શું થશે

એનેસ્થેસિયા અને સર્જરીની તૈયારી

એકવાર આ બધી તૈયારી થઈ જાય ત્યારબાદ, એનેસ્થેટિસ્ટ ડોક્ટર તમારા ચહેરા પર માસ્ક મુકશે અને તમને માસ્કથી શ્વાસ લેવાનું કહેશે. આ માસ્કમાંથી એનેસ્થેટિક ગેસ આવશે જેનાથી તમને થોડી ઊંઘ આવવા લાગશે. હવે પછીની દવાઓ તમને IV line થી આપવામાં આવશે જેથી તમને એકદમ ઊંઘ આવી જાય. જયારે તમે ગાઢ નિદ્રામાં સરી જાવ, ત્યારે એનેસ્થેટિસ્ટ તમારાં મોઢા દ્વારા એક ટ્યુબ(નળી)ને તમારી શ્વાસનળીમાં રાખી દેશે. પુરી સર્જરી દરમ્યાન આ ટ્યુબ અને વેન્ટિલેટરના માધ્યમથી તમે શ્વાસ લેતાં રહેશો. એનેસ્થેટિસ્ટ તમારી ઊંઘ અને શ્વાસ પર નિયત્રંણ રાખશે અને મોનિટર પર સતત ધ્યાન રાખશે. મોનિટર તમારા પલ્સ, BP, ઓક્સિજન લેવલ તથા હ્ર્દયના કાર્ય ને દર્શાવે છે. તો હવે આ તમારો આરામથી સુવાનો સમય છે. સર્જરી પૂર્ણ થયા બાદ, એનેસ્થેટિસ્ટ તમને ધીરે-ધીરે ફરીથી ભાનમાં લાવશે.

એક વખત તમે ગાઢ નિદ્રામાં સરી જાવ અને એનેસ્થેટિસ્ટ બધું જ નિયંત્રણ હેઠળ છે તેમ જણાવે, ત્યારબાદ સર્જિકલ ટીમ તેમનું કાર્ય શરૂ કરે છે.

સૌપ્રથમ,તેઓ શરીરના તે ભાગને તૈયાર કરશે કે જ્યાં સર્જરી કરવાની છે, એટલે કે તમારું પેટ. પેટ ઉપર પદ્ધતિસર betadine solution લગાવીને તેને કીટાણુરહિત કરવામાં આવે છે. તેને “પેઇન્ટિંગ” કહેવામાં આવે છે એટલે કે તે ભાગને betadine થી પેઇન્ટ કરવું. ત્યારબાદ તમારા પેટના ભાગને છોડીને, બાકીના પુરા શરીરને કીટાણુરહિત ડ્રેપ(drape) થી ઢાંકી દેવામાં આવે છે. તેને ડ્રેપિંગ કહે છે,જે કીટાણુરહિત સર્જરીની જગ્યાને શરીરના બાકીનાં ભાગથી અલગ કરે છે.

ત્યારબાદ, ટીમ બધાં ઉપકરણો તૈયાર કરે છે. તેમાં લેપ્રોસ્કોપીક સિસ્ટમ અને ઉર્જા સ્ત્રોત શામેલ છે. લેપ્રોસ્કોપીક સિસ્ટમમાં કેમેરા, એક લેપ્રોસ્કોપ, લાઈટ સ્ત્રોતનો કેબલ, તથા એક insufflating tube કે જે તમારા પેટમાં CO2 ગેસ ભરવા માટે હોય છે, તે બધું શામેલ હોય છે. આ બધાંને ETO sterilization  જેવી વિશિષ્ટ પદ્ધતિથી પહેલેથી જ કીટાણુરહિત કરવામાં આવેલ હોય છે. ઉર્જાસ્રોત એક એવું ઉપકરણ છે,કે જે બ્લડલોસ વિના સર્જરી પુરી કરવામાં મદદ કરે છે.

પેટમાં ગેસ ભરવો, લોકલ એનેસ્થેટિક ઇન્જેક્શન, તથા પોર્ટ(port) પ્લેસમેન્ટ

એકવખત બધી તૈયારી થઈ જાય ત્યારબાદ, સર્જન પહેલો ચીરો મૂકવાની જગ્યાએ, થોડી માત્રામાં એનેસ્થેટિક સોલ્યૂશન ઈન્જેક્ટ કરશે. આનાથી, સર્જરી પછી જયારે તમે ભાનમાં આવી જાવ ત્યારે, તમને પીડારહિત રાખવામાં અમને મદદ મળે છે. હવે, તમારી નાભિ પાસે એક નાનો ચીરો મુકવામાં આવે છે તથા તેના દ્વારા એક ખાસ પ્રકારની સોય(needle)ને તમારા પેટમાં દાખલ કરવામાં આવે છે. સોય યોગ્ય જગ્યાએ ગોઠવાઈ હોવાની ખાતરી કર્યા બાદ, insufflating tube ને સોય સાથે જોડવામાં આવે છે અને તેના દ્વારા CO2 ગેસ ભરવાનું શરૂ કરવામાં આવે છે. એક વખત પેટમાં જગ્યા બનાવવા માટે પર્યાપ્ત ગેસ ભરાય ગયા બાદ, સોયને કાઢી નાખવામાં આવે છે, અને તે જ છેદમાંથી પહેલો પોર્ટ પેટમાં દાખલ કરવામાં આવે છે. આ પોર્ટ ધાતુની એક પોલી(hollow) નળી હોય છે. તેના દ્વારા લેપ્રોસ્કોપ તથા અન્ય સાધનો તમારા પેટની અંદર જઈ શકે છે. સંપૂર્ણ સર્જરી દરમ્યાન, જગ્યા બનાવી રાખવા માટે, સતત ગેસ પણ ભરવામાં આવે છે.

હવે લેપ્રોસ્કોપને તમારા પેટમાં દાખલ કરવાનો સમય આવી ગયો છે અને તેની લાઈવ ઇમેજ સર્જીકલ ટીમને સામેના મોનિટર ઉપર દેખાતી હોય છે. હવે સર્જન, સર્જરીને આગળ લઈ જતાં પહેલાં, પેટના અંદરના ભાગનું નિરીક્ષણ કરે છે. આટલું થઈ ગયા બાદ, એનેસ્થેટિક સોલ્યૂશન ઈન્જેક્ટ કરીને નવા ચીરા મુકવામાં આવે છે જેમાં વધુ ત્રણ પોર્ટ મુકવામાં આવે છે. આ ત્રણ નવાં પોર્ટ્સ, મોનિટર પર દેખાતી લેપ્રોસ્કોપની ઈમેજના આધારે મુકવામાં આવે છે. એનો મતલબ કે, જયારે પોર્ટ્સ રાખવામાં આવે ત્યારે સર્જન લેપ્રોસ્કોપની મદદથી તેને પેટમાં જતાં સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આથી જ, સર્જન તેને તમારા કેસમાં ખરેખર જ્યાં જરૂરત હોય, બરાબર તે જગ્યાએ ગોઠવી શકે છે.

વાસ્તવિક સર્જરી

હવે, ખરેખર સર્જરીની શરૂઆત થાય છે. કેમેરા માટે નિયુક્ત વ્યક્તિ, સર્જરીની સાચી/ખરેખર જગ્યાને કેન્દ્રિત કરીને સ્પષ્ટતા સાથે દર્શાવે/બતાવે છે. સહાયક વ્યક્તિ એક પોર્ટ દ્વારા, એક સાધનને અંદર દાખલ કરે છે, અને પિત્તાશયના ફન્ડસ(ઉપરનો ભાગ)ને પકડે છે અને એને તમારા જમણા ખભાની તરફ ધકેલે છે. હવે તમારા સર્જન સર્જરીની જગ્યાને યોગ્ય અને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. હવે તેઓ તેમનું ધ્યાન એ નળી પર કેન્દ્રિત કરે છે જે મુખ્ય પિત્તનળીને પિત્તાશયની સાથે જોડે છે. ઉર્જા સ્ત્રોત્રની મદદથી તેઓ નળી ઉપર રહેલી ટીસ્યુને કાપી નાખે છે. આમ કરવાથી સર્જન સિસ્ટિક ડક્ટ(પિત્તાશયની નળી)ને સ્પષ્ટ રીતે ઓળખી શકે છે. આ એક નાની, પાતળી નળી છે જે પિત્તાશયને મુખ્ય પિત્તનળીથી જોડે છે. સર્જન પિત્તાશયને લોહી પહોંચાડતી લોહીની નસને પણ જોઈ શકે છે, ઓળખી શકે છે.

પછી સર્જન બન્ને પર થોડી ક્લિપ્સ લગાવે છે અને એને કાપી નાખે છે. આ રીતે પિત્તાશયને મુખ્ય પિત્તનળીથી અલગ કરવામાં આવે છે. હવે પિત્તાશયને ઉર્જા સ્ત્રોત્રના સાધનની મદદથી લોહી ન નીકળે તે રીતે લીવરથી અલગ કરવામાં આવે છે. હવે પિત્તાશય પથરી સાથે, તમારા પેટમાંથી  બહાર નીકળવા માટે તૈયાર છે.

સર્જરી વિષે વધું જાણવા માટે આ વિડીયો જુઓ. 

પિત્તાશયને કાઢવું તથા સર્જરીને પૂર્ણ કરવી

હવે, એક પોર્ટ દ્વારા પિત્તાશયને પેટમાંથી બહાર કાઢવામાં આવે છે. કેટલીક વાર તેને બહાર કાઢવા માટે, એક નાની પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ કરવામાં આવે છે, જેને Endo bag પણ કહેવામાં આવે છે. જયારે પિત્તાશય કાઢતી વખતે, પથરી ફેલાઈ જવાની શક્યતા હોય, ત્યારે આ બેગનો ઉપયોગ થાય છે.

અંતમાં, સર્જન સર્જરીની પૂરી જગ્યાનું નિરીક્ષણ કરશે. સર્જરી પૂર્ણ કરતાં પહેલાં, તેઓ એ વાતની ખાતરી કરશે કે ક્લિપ્સ એની જગ્યા પર છે અને ક્યાંયથી કોઈ બ્લીડીંગ નથી થઈ રહ્યું. હવે, લેપ્રોસ્કોપથી જોતાં જોતાં, દરેક પોર્ટ્સ અને સાધનો કાઢી નાખવામાં આવે છે. ગેસને પેટની બહાર કાઢવામાં આવે છે. 10 mm  પોર્ટની જગ્યાનાં સ્નાયુને એક ટાંકા(સ્ટીચ)થી બંધ કરવામાં આવે છે.  5mm પોર્ટની જગ્યાના સ્નાયુ ને બંધ કરવા માટે એવા કોઈ સ્ટીચ લેવાની જરૂર હોતી નથી. ત્યારબાદ, ચામડીનાં ચીરાને ઓગળે તેવા ટાંકા અને સર્જીકલ ગ્લૂથી બંધ કરવામાં આવે છે અને એને bandage થી ઢાંકી દેવામાં આવે છે. હવે, તમે ભાનમાં આવવાં માટે તૈયાર છો.

 

સર્જરી પૂરી થતાં જ, શું થાય છે

એકવખત સર્જરી પુરી થઈ જાય, પછી એનેસ્થેટિક ડોક્ટર દવાઓમાં એવા ફેરફાર કરશે કે જેથી તમે ભાનમાં આવવા માંડશો. એકવાર તેમને ખાતરી થઈ જશે કે તમે એટલાં ભાનમાં આવી ગયા છો કે, તમે તમારી જાતે શ્વાસ લઈ શકો છો અને લાળ ગળી શકો છો, ત્યારે તેઓ તમારી શ્વાસનળીમાં રાખેલી ટ્યુબને કાઢી નાખશે. તેઓ એ પણ ખાતરી કરશે કે તમે કમ્ફર્ટેબલ છો, તમને પીડા નથી થઈ રહી તથા તમે સારી રીતે શ્વાસ લઈ રહ્યા છો. એકવખત,તેમને ખાતરી થઈ જાય કે તમે સ્વસ્થ છો, ત્યારે અમે તમને શિફટિંગ બેડપર લઈ લઈશું. ત્યાર પછી, આ જ બેડપર તમને રિકવરી રૂમમાં લઈ જવામાં આવે છે.

રિકવરી રૂમમાં, તમારા પલ્સ, બી.પી, તથા ઓક્સિજન પર લગભગ 10 મિનિટ સુધી સતત નજર રાખવામાં(monitoring) આવે છે. આ સમયે તમે હજું પણ થોડી ઊંઘમાં હશો. એટલા માટે, એક વ્યક્તિ તમારી પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે, તથા તમને આરામ આપવા માટે તમારી સાથે ત્યાં હાજર હશે. સર્જન અને એનેસ્થેટિસ્ટ પણ તમને મળીને ખાતરી કરશે કે તમે સ્વસ્થ થઈ રહ્યાં છો. તેઓ તમારાં સ્વજનો સાથે પણ વાત કરશે અને તેમને તમારી તબિયત વિષે જણાવશે અને તેમને તમને મળવાની પરવાનગી આપશે. આ બધું તમને તથા તમારાં સ્વજનોને સર્જરીની ચિંતામાં રાહત આપવા માટે કરવામાં આવે છે.

એકવખત તમે રૂમમાં પાછા આવી જાવ ત્યારે શું થાય છે

રિકવરી: શરૂઆતના થોડાં કલાકો

એકવખત તમે પૂરતાં ભાનમાં આવી જાવ છો ત્યારે તમને ફરીથી પાછાં તમારી રૂમમાં લઈ જવામાં આવે છે. થોડાં કલાકો માટે તમને આરામ કરવા દેવામાં આવે છે. કોઈ પણ જરૂરિયાત કે મદદ માટે, ડ્યુટી પર હાજર ડોક્ટર ત્યાં ઉપલબ્ધ હશે. 2 કલાક પછી, સ્ટાફ તમારા પલ્સ, બી.પી. અને ઓક્સિજન લેવલ ની તપાસ કરશે. જયારે તેમને લાગશે કે તમે સંપૂર્ણ ભાનમાં છો, ત્યારે તમને બેઠા થવાની સલાહ આપવામાં આવે છે. જયારે તમને આરામ અનુભવાય, ત્યારે ધીરે-ધીરે પાણી તથા અન્ય પ્રવાહી  મોઢાથી આપવાનું શરૂ કરવામાં આવે છે. તમને સ્ટાફની દેખરેખ હેઠળ, બેડમાંથી ઉઠીને થોડાં પગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે બધી ઈન્જેકશન ની દવાઓ તથા આઈવી ડ્રિપ(IV drip) બંધ કરવામાં આવે છે.

એકવાર આ બધું જ બરાબર થાય, ત્યાર પછી તમને વોશરૂમ જવાની અને યુરિન પાસ કરવાની સલાહ આપવામાં આવે છે. શરૂઆતમાં થોડી પીડા થઈ શકે છે, પરંતુ જેવું તમે હરવા ફરવાનું શરૂ કરશો, તેમ આ પીડા ધીરે-ધીરે ઓછી થતી જશે. જો પીડા વધુ હોય, તો ડ્યુટી પર હાજર ડોક્ટર તમારા સર્જન સાથે ટેલિફોનથી વાત કરીને આગળની દવા આપશે. એક વાર મોઢાથી પ્રવાહી લેવાનું શરૂ કર્યા પછી, દવાઓ મોંઢાથી આપવામાં આવે છે જો  તમને ઉલ્ટી ન થતી હોય. જો તમારી રિકવરી યોગ્ય રીતે થઈ રહી હોય તો પણ, ડ્યુટી પર હાજર ડોક્ટર તમારા સર્જનને તમારા વિષે અપ-ડેટ કરશે.

પછીની રિકવરી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Ready for Discharge

સર્જરીના 4-5 કલાકો પછી,એક વખત તમે સારી રીતે પ્રવાહી લીધું હોય, ત્યારબાદ નરમ આહાર શરૂ કરવામાં આવે છે. બધું બરાબર જઈ રહ્યું છે તેની ખાતરી કરવા માટે સર્જન પણ તમારી મુલાકાત કરશે. એ મુલાકાત વખતે સર્જન તમારા ઘરે જવાની બાબતે તમારા મનના દરેક પ્રશ્નના ઉત્તર આપશે. બીજા દિવસે સવારે તમે સ્નાન કરી શકો છો. બેન્ડેજ વોશ-પ્રુફ હોય છે એટલે તેના વિષે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

એક વખત તમે પ્રમાણમાં પીડામુક્ત હોવ, પ્રવાહી અને ખોરાક લઈ શકતા હોવ, યુરિન પણ પાસ થયું હોય તો તમે હોસ્પિટલમાંથી ડિસચાર્જ માટે તૈયાર છો. એવા યુવાન દર્દીઓ કે જેમને કોઈ અન્ય મેડિકલ પ્રોબ્લેમ ના હોય, જે આ જ શહેરમાં રહેતા હોય, તેમને એ જ દિવસે ડિસ્ચાર્જ કરી શકાય છે. અને બાકી બધાંને સામાન્ય રીતે બીજા દિવસે રજા આપવામાં આવે છે.

પિત્તાશયની પથરીની સર્જરી પછી ફોલો-અપ માટે ક્લિનિકની મુલાકાત

ડિસ્ચાર્જના થોડા દિવસોમાં તમને ફોલો-અપ માટે ક્લિનિક પર બોલાવવામાં આવશે.તેનો મુખ્ય ઉદેશ્ય તમે સ્વસ્થ છો તેની ખાતરી કરવાનો, તથા તમારા ઘાવની તપાસ કરવાનો હોય છે. સર્જન તમારા ઘાવની તપાસ કરશે, તેને સાફ કરી અને તેની પર ફરીથી નવું બેન્ડેજ લગાવશે. સર્જરી પછીના તમારા ખોરાક અને પ્રવૃતિઓ વિષે સર્જન તમારી સાથે ચર્ચા કરશે. આ સમયે તમારા કોઈ પણ અન્ય પ્રશ્નનો જવાબ આપવામાં આવશે.

સાંમાન્ય રીતે, તમે થોડાંક જ દિવસો પછી તમારો રૂટિન ખોરાક ફરીથી શરૂ કરી શકો છો.  તમારે એક સામાન્ય સ્વસ્થ આહારની જરૂર છે.અન્ય કોઈ બીમારી હોય તો જ,આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. 5 દિવસો પછી, સ્નાન કરતી વખતે, તમારી જાતે જ ઘરે જ તમારે બેન્ડેજ કાઢી નાખવાનું રહેશે. જો કોઈ વિશેષ કારણસર, તમારા ઘાવ ની ફરીથી તપાસ કરવાની હશે, તો તમારા સર્જન તમને જણાવશે.

તમારે હોસ્પિટલમાંથી તમારો બાયોપ્સી રિપોર્ટ લાવવાનો રહેશે. સામાન્ય રીતે, આ રિપોર્ટ સર્જરીનાં 5-7 દિવસમાં ઉપલબ્ધ થઈ જાય છે. તમારી હવે પછીની મુલાકાત એક મહિના પછી હશે, જે તમને સ્વાસ્થ્ય સંબધિત અને ખાવા પીવા સંબધિત કોઈ સમસ્યા નથી તેની ખાતરી કરવા માટે હોય છે. એ દરમ્યાન જો કોઈ જરૂરત જણાય, તો અપોઈન્ટમેન્ટ લઈને, તમે ડોક્ટરને મળી શકો છો.

એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરી, કે જ્યાં નિયમિત રીતે દરેક પ્રકારની પિત્તાશયની સર્જરી અને અન્ય એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના પરિણામ અહીં મળે છે અને અમારા મોટાભાગનાં દર્દીઓ સારવારથી ખુબ સંતુષ્ટ છે.આ જ કારણ છે કે અમારા દર્દીઓ, ડૉ.ચિરાગ ઠક્કરને પિત્તાશયની પથરીની સારવાર માટે બેસ્ટ ડોક્ટરોમાંના એક માને છે.

અમારા દર્દીઓની પ્રતિક્રિયા સાંભળવા માટે નીચે આપેલાં વિડીયો પર ક્લિક કરો.

Also Read,