એકેલેસિયા કાર્ડીયા ખોરાક ગળવાની પ્રક્રિયાને અસર કરતી એક અસામાન્ય મુશ્કેલી છે. તેના નિદાન માટે વિશિષ્ટ પ્રકારના ટેસ્ટસ અને સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની જરૂર છે. આ સમસ્યા જીવલેણ ન હોવા છતાં વહેલું નિદાન અને યોગ્ય સારવાર,સારું જીવન જીવવા માટે જરૂરી છે.
એકેલેસિયા કાર્ડીયા એક અસામાન્ય ખોરાક ગળવાની તકલીફ છે કે જે ખોરાક કે પ્રવાહીને જઠરમાં પ્રવેશવામાં મુશ્કેલી ઉભી કરે છે.મોટાભાગનાં દર્દીઓમાં 25 થી 60 વર્ષની વચ્ચે તેનું નિદાન થતું હોય છે. પરંતુ તે ક્યારેક બાળકોમાં પણ જોવા મળે છે. એકેલેસિયામાં કોઈ અગમ્ય કારણસર અન્નનળીના ચેતા કોષો નાશ પામે છે. જે અન્નનળીના ખોરાક ગળવાના કાર્યમાં વિક્ષેપ ઉભો કરે છે. અન્નનળી ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કરે છે.
એકેલેસિયા કાર્ડીયામાં શું થાય છે તે સમજવા માટે સૌપ્રથમ ખોરાક ગળવાની સામાન્ય પ્રક્રિયાને સમજવી ખુબ જરૂરી છે. સામાન્ય રીતે જયારે આપણે ખોરાક ગળતાં હોઈએ ત્યારે અન્નનળીની દીવાલમાં રહેલાં સ્નાયુઓ તાલબદ્ધ રીતે સંકોચન -વિસ્તરણ કરતાં હોય છે જેના લીધે ખોરાક અન્નનળીમાં નીચેની તરફ ધકેલાય છે. આ પ્રકારના સંકોચન -વિસ્તરણને Peristalsis કહે છે. જેવું આપણે ગળીએ એ સાથે જ અન્નનળીના નીચેના ભાગે આવેલો LES વાલ્વ સુસ્ત બને છે અને ખુલી જાય છે જેથી ખોરાક જઠરમાં પ્રવેશે છે. એક વખત ખોરાક જઠરમાં પહોંચે એટલે વાલ્વ ચુસ્ત રીતે બંધ થાય છે. આથી ,ખોરાક અને જઠરનો એસિડ જઠરમાંથી અન્નનળીમાં પાછો જતો નથી એટલે કે રિફ્લક્સ નથી થતો .એસિડ રિફ્લક્સ અન્નનળીને નુકશાન પહોંચાડે છે અને ત્યાં અલ્સર કરે છે જે હાર્ટબર્નમાં પરિણમે છે. આથી વાલ્વનું યોગ્ય રીતે કાર્ય કરવું એ મહત્વનું છે.
એકેલેસિયાના દર્દીઓમાં અન્નનળીના ચેતા કોષોનો નાશ, બે મુખ્ય સમસ્યાઓ સર્જે છે જે ગળવાની પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કરે છે.
પહેલી, અન્નનળીના સ્નાયુઓનું સંકોચન યોગ્ય રીતે થતું નથી જેથી ગળેલો ખોરાક અન્નનળીમાંથી જઠરમાં નોર્મલ રીતે ધકેલાતો નથી.
બીજી, LOWER ESOPHAGEAL VALVE એટલે કે LES VALVE કે જે ખોરાક ગળવાની સાથે સુસ્ત થવો જોઈએ તે થતો નથી. તે ખોરાક અને પ્રવાહીને જઠરમાં પ્રવેશતાં અટકાવે છે. સમય જતાં,વાલ્વના ઉપરનો ભાગ પહોળો થાય છે અને તેમાં ખોરાક અને લાળનો સંગ્રહ થાય છે.
એકેલેસિયાના દર્દીઓની મુખ્ય તકલીફ ખોરાક ગળવામાં પડતી મુશ્કેલી છે. ઘણી વખત દર્દી ને પ્રવાહી કે ઘન ખોરાક ગળતી વખતે તે ખોરાક છાતીમાં અટકતો હોય એવું લાગે . એ જમતી વખતે છાતીમાં દુઃખાવો કરી શકે. દર્દી જયારે સુતા હોય ત્યારે છાતીમાં અટકેલો ખોરાક અને પ્રવાહી ઘણી વખત મોઢામાં પાછો આવે છે. ક્યારેક તેના લીધે ઊંઘમાં કફ થાય અથવા નાકમાંથી પાણી પણ નીકળે. અન્નનળીમાં જમા થયેલો ખોરાક અલ્સર અને હાર્ટબર્ન કરી શકે છે. એકેલેસિયાનું નિદાન થયેલ મોટાભાગના દર્દીઓમાં વજનનો પણ ઘટાડો જોવા મળે છે.
આ સમસ્યા ખુબ ધીરે ધીરે આગળ વધે છે. ઘણા લોકો સમસ્યા ખુબ વધે ત્યાં સુધી કોઈ તબીબી મદદ લેતા નથી. કેટલાક દર્દીઓ ધીરે ધીરે ખાઈને પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા જમતી વખતે ડોકને ઊંચી કરીને અથવા ખભાને પાછળની તરફ લઈ જઈને ખોરાક ગળવાનો પ્રયત્ન કરતા હોય છે.
એકેલેસિયાના દર્દીઓને ભવિષ્યમાં અન્નનળીનું કેન્સર થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતા વધારે હોય છે. આથી જ સમયસરની સારવાર અને તે પછી પણ નિયમિત ફોલો- અપ ખુબ મહત્વના છે.
એકેલેસિયાના લક્ષણો પાચનની અન્ય સમસ્યાઓને મળતા આવતા હોવાથી ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે અથવા તો તેનું ખોટું નિદાન થતું હોય છે. ગળવામાં તકલીફ સાથે આવતા કોઈ પણ દર્દીની સૌપ્રથમ એન્ડોસ્કોપી અને ડાઇ ટેસ્ટ કરવામાં આવે છે
તમારા અન્નનળી અને જઠરની અંદરની તપાસ માટે, ડોક્ટર લાઈટ અને કેમેરા જોડેલી પાતળી ફ્લેક્સિબલ ટ્યૂબ તમારા ગળાથી અન્નનળીની અંદર ઉતારે છે. એકેલેસિયાના દર્દીઓમાં સામાન્ય રીતે અન્નનળીમાં ખોરાક જમા થયેલો જોવા મળે છે. એન્ડોસ્કોપને પસાર થવા માટે વાલ્વ પણ સરળતાથી સામાન્ય વ્યક્તિની જેમ ખૂલતો નથી. એન્ડોસ્કોપી કરવાનો મુખ્ય ઉદેશ્ય ગળવાની તકલીફ ગાંઠ, તીવ્ર (severe) અલ્સર કે કોઈ બહારની વસ્તુ(foreign body) ફસાવાના કારણે નથી ને તે તપાસવાનું છે.
આ ટેસ્ટમાં તમારે બેરિયમ નામનું ઘટ્ટ સફેદ પ્રવાહી અથવા પાણી જેવું પાતળું પ્રવાહી પીવાનું હોય છે, જે અન્નનળીની દિવાલના અંદરના સ્તર પર આવરણ બનાવે છે. ત્યારપછી એક્સ-રે લેવામાં આવે છે. રેડીયોલોજીસ્ટ ડૉક્ટર એક્સ-રે મશીનમાં અન્નનળીથી જઠર સુધી આ પ્રવાહીને જતા જોઈ શકે છે. એકેલેસિયાના દર્દીઓની એક્સે-રે ઈમેજમાં અન્નનળીમાં આ પ્રવાહીનુ અટકવું અને જમા થવું, અન્નનળી પહોળી થયેલી અને તેનો નીચેનો ભાગ સંકોચાયેલો/સાંકળો થયેલ જણાય છે, જે દર્શાવે છે કે ગળતી વખતે વાલ્વ ખુલતો નથી. આ તપાસ ખુબ ચોક્કસ હોવા છતાં, કેટલીક વખત રોગના શરૂઆતના તબક્કામાં જયારે અન્નનળી વધુ પહોળી ન હોય ત્યારે આ તપાસમાં એકેલેસિયાના લક્ષણો સ્પષ્ટપણે દેખાતા નથી.
મેનોમેટ્રીએ અંતિમ પુષ્ટિકારક ટેસ્ટ છે અને તે એકેલેસિયાની પુષ્ટિ કરવા માટે જરૂરી ટેસ્ટ છે. આ ટેસ્ટ ખોરાક ગળતી વખતે થતાં સ્નાયુનાં તાલબદ્ધ સંકોચનને, અન્નનળીના સ્નાયુઓ વચ્ચેનું સંકલન તથા તેમના દ્વારા ઉત્પન્ન કરાતું બળ અને ગળતી વખતે અન્નનળીના નીચેના ભાગનો વાલ્વ કેટલાં પ્રમાણમાં સુસ્ત થાય છે કે ખુલે છે તેને માપે છે. એકેલેસિયાના શરૂઆતના તબક્કામાં જયારે બેરિયમ અને એન્ડોસ્કોપીના રિપોર્ટ નોર્મલ હોય ત્યારે મેનોમેટ્રી એ જ એક ટેસ્ટ છે કે જે એકેલેસિયાનું નિદાન કરે છે. તે એકેલેસિયા કાર્ડીયાનો પ્રકાર નક્કી કરવામાં પણ મદદ કરે છે. સારવારનું પરિણામ એકેલેસિયાના પ્રકાર ઉપર નિર્ભર કરે છે. આમ, મેનોમેટ્રી સારવાર સંબંધિત નિર્ણય કરવામાં તથા તેના પરિણામ વિષે અનુમાન લગાવવામાં મદદ કરે છે.
સારવાર વિષે આપણે સૌપ્રથમ એ સમજવાની જરૂર છે કે અન્નનળીના જે ચેતાકોષો એટલે કે nerve cells નાશ પામેલાં છે તે કોઈપણ સારવારથી ફરીથી પાછા બનવાના નથી. ઉપલબ્ધ સારવારમાંથી કોઈપણ સારવાર અન્નનળીના સ્નાયુઓના તાલબદ્ધ સંકોચનને પાછું લાવી શકતા નથી. બધી જ સારવાર અન્નનળીના નીચેના ભાગના વાલ્વને સુસ્ત બનાવે છે કે ખુલ્લો કરે છે જેથી તે ખોરાકને અન્નનળીમાંથી જઠરમાં જવામાં અવરોધ ઉભો ન કરે. જેથી ખોરાક ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પોતાની જાતે અન્નનળીમાં નીચે તરફ જાય અને જઠરમાં સરળતાથી પ્રવેશે. સારવાર બે પ્રકારની હોય છે સર્જિકલ અને નોનસર્જિકલ. એકંદરે, સર્જિકલ વિકલ્પ વધુ અસરકારક અને લાંબા સમયના ઉત્તમ પરિણામ આપે છે.
નોનસર્જિકલ સારવારના વિકલ્પોમાં, દવા, એન્ડોસ્કોપિક બોટોક્સ ઈન્જેકશન અને એન્ડોસ્કોપિક બલૂન ડાઈલેટેશન જેવાં વિકલ્પો છે. આપણે દવા અને બોટોક્સ ઈન્જેકશનની ચર્ચા કરતા નથી કારણકે આ વિકલ્પો અસરકારક નથી અને તેથી સામાન્ય રીતે દર્દીને તેની સલાહ અપાતી નથી. આથી નોનસર્જિકલ સારવારમાં માત્ર એકજ વિકલ્પ રહે છે અને તે છે એન્ડોસ્કોપિક બલૂન ડાઈલેટેશન.
તે એક એન્ડોસ્કોપિક પ્રક્રિયા છે જેમાં એક બલૂનને અન્નનળીમાં ઉતારવામાં આવે છે અને LES વાલ્વ પાસે તેને ફુલાવવામાં આવે છે, જેથી વાલ્વના સ્નાયુ તૂટી વાલ્વને ખુલ્લો રાખે છે. આ પદ્ધતિમાં સ્નાયુને તોડીને વાલ્વ ખોલવાની રીત ચોક્કસાઈવાળી ન હોવાથી તેના પરિણામ સર્જિકલ સારવાર કરતા નિમ્ન કક્ષાના હોય છે. જો અન્નનળીનો વાલ્વ લાંબા સમય માટે ખુલ્લો ન રહે તો આ પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. આશરે એક તૃતિયાંશ જેટલા બલૂન ડાઈલેટેશનની સારવાર આપેલા દર્દીઓમાં તે પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. આ પ્રક્રિયા દરમ્યાન અન્નનળીની દીવાલમાં કાણું પડવાની પણ થોડી શક્યતા રહેલી છે. આ પ્રકારના કોમ્પ્લિકેશન થવાની શક્યતા 2-4% જેટલી હોય છે અને તે વખતે તેને સુધારવા માટે તાત્કાલિક સર્જરીની પણ જરૂર પડી શકે છે. બલૂન ડાઇલેટેશનની પ્રક્રિયામાં એસિડ રિફ્લક્સને અટકાવવાના કોઈ પગલાં લેવાતા ન હોવાથી, ન્યૂમેટિક બલૂન ડાઇલેટેશનની પ્રક્રિયા પછી એસિડ રિફ્લક્સ થવાની શક્યતા ખુબ વધારે હોય છે.
સર્જરી એ લાંબાગાળાના શ્રેષ્ઠ પરિણામ આપતી અસરકારક સારવાર છે. અહીં, LES વાલ્વના સ્નાયુઓને કેમેરાની દ્રષ્ટિ હેઠળ ચોક્કસાઈપૂર્વક કાપવામાં આવે છે. સર્જરીના બે વિકલ્પો હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરી અને એન્ડોસ્કોપિક સર્જરી. ચાલો બન્ને વિષે વિસ્તારથી વાત કરીએ.
આ એકેલેસિયા કાર્ડિઆની ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારવાર છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ ઉપર નાના કાપા મૂકી કેમેરા અને સાધનો પેટમાં ઉતારવામાં આવે છે અને સર્જરી કરવામાં આવે છે.
Laparoscopic surgery for Achalasia Cardia: Heller’s cardiomyotomy with Dor fundoplication
સર્જન LES વાલ્વના સ્નાયુઓને કેમેરાની દ્રષ્ટિ હેઠળ સચોટ રીતે કાપી તે વાલ્વને ખુલ્લો કરે છે. જે ખોરાકને સરળતાથી જઠરમાં પસાર થવા દે છે. આ બધુંજ કેમેરાથી જોઈને કરાતું હોવાથી, વાલ્વના સ્નાયુને કાપવાનું કામ ખુબ ચોક્કસાઇપૂર્વક થાય છે.જો સ્નાયુ કાપતી વખતે અન્નનળીની દિવાલના અંદરના સ્તર મ્યુકોસામાં કાણું પડે તો તેને ત્યારે જ ટાંકા થી બંધ કરી રીપેર કરવામાં આવે છે અને સર્જરીના અંતિમ પરિણામને કોઈ અસર પડતી નથી. સર્જરી દરમ્યાન જ એન્ડોસ્કોપી પણ કરવામાં આવે છે જે વાલ્વ પૂરતાં પ્રમાણમાં ખુલ્યો કે નહીં અને અન્નનળીની દીવાલમાં મ્યુકોસામાં કાણું પડ્યું તો નથીને તેની ચકાસણી કરે છે. એક વખત વાલ્વ ખુલી જાય પછી સર્જન જઠરના ઉપરના ભાગને વાળીને તેને હાયેટ્સ અને વાલ્વના સ્નાયુના કપાયેલા છેડા સાથે જોડે છે. આને પાર્શિઅલ અથવા ડોર ફન્ડોપ્લાયકેસન કહે છે. આ પ્રક્રિયા ખોરાક અને એસિડને જઠરમાંથી અન્નનળીમાં જતો અટકાવવા માટે કરવામાં આવે છે, જે સ્નાયુ કાપીને વાલ્વ ખુલ્લો કરવામાં આવે પછી સામાન્ય રીતે થાય છે.
સામાન્ય રીતે દર્દીને સર્જરીના દિવસે કે તેના આગળના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.સામાન્ય રીતે સર્જરીના દિવસે જ પ્રવાહી અને ત્યારબાદ નરમ ખોરાક દર્દીને આપવામાં આવે છે. સર્જરીના થોડા કલાકોની અંદર દર્દી પથારીમાંથી ઉઠી હલનચલન કરી શકે છે તથા બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. સર્જરી દરમ્યાન અન્નનળીમાં મ્યુકોસામાં પડેલ કાણું બંધ કરવામાં આવ્યું હોય તો રજા આપવાનું એક કે બે દિવસ મોડું થાય છે. એકાદ અઠવાડિયામાં સામાન્ય આહાર શરૂ કરવામાં આવે છે, પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે ખોરાક યોગ્ય રીતે ચાવીને, ધીરેધીરે અને બેઠેલી અવસ્થામાં લેવાનો છે.
આ સર્જરીથી લાંબા ગાળે ઉત્તમ પરિણામ મળે છે. 70-90% દર્દીઓમાં લાંબા ગાળે સમસ્યામાં ઘણી રાહત મળે છે. સર્જરીના પરિણામ મેનોમેટ્રીથી નક્કી થયેલાં એકેલેસિયાના પ્રકાર અને બેરિયમ ડાઇ ટેસ્ટમાં જણાયેલ અન્નનળીના પહોળા થવાના પ્રમાણ ઉપર નિર્ભર કરે છે. જે દર્દીઓ વહેલાથી સજાગ થઈ અન્નનળી વધારે પહોળી થાય તે પેહલા સર્જરી કરાવે તો પરિણામ વધુ સારા હોય છે, પણ સમસ્યાની અવગણના કરી મોડી સર્જરી કરાવે કે જેમાં અન્નનળી પહેલાંથી જ ખુબ પહોળી થઈ ગઈ હોય તો પરિણામ ઓછા સારા હોય છે. સર્જરીમાં ફન્ડોપ્લાયકેશન પણ કરવાને કારણે એસિડ રિફ્લકસની સમસ્યા ઉદ્દભવવાની શક્યતા ઘણી ઘટી જાય છે.
Endoscopic surgery for Achalasia Cardia: POEM
આ સર્જરી મોઢામાંથી એન્ડોસ્કોપ અને સાધનો અંદર ઉતારીને કરવામાં આવે છે. સર્જન મોંમાંથી એન્ડોસ્કોપ ગળાની અંદર નીચે ઉતારે છે અને તેના દ્વારા અન્નનળીના અંદરના સ્તર કે જેને મ્યુકોસા(mucosa) કહે છે તેમાં કાપો મૂકે છે. ત્યાર પછી અન્નનળીના નીચેના ભાગના અને LESના સ્નાયુને લેપ્રોસ્કોપિક સર્જરીની જેમ અવલોકન હેઠળ સચોટ રીતે કાપવામાં આવે છે. અંતમાં, અંદરના સ્તર એટલે કે મ્યૂકોસામાં મુકેલા ચીરાને એન્ડોસ્કોપિક કલિપ્સની મદદથી બંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તકલીફમાં સુધારો લેપ્રોસ્કોપિક સર્જરી જેવો જ હોય છે અને ટૂંકા ગાળાના ખૂબ સારા પરિણામ દેખાય છે. પરંતુ, આ પ્રક્રિયા નવી હોવાથી તેના લાંબાગાળાના પરિણામો કેવા હશે તે જોવાના રહેશે.
સામાન્યરીતે દર્દીને સર્જરીના દિવસે અથવા સર્જરીના આગળના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સર્જરીની તૈયારીનાં ભાગરૂપે દર્દીને સર્જરીના બે દિવસ પહેલાથી માત્ર પ્રવાહી ખોરાક લેવાનું સૂચન કરવામાં આવે છે. સર્જરીમાં અન્નનળીના અંદરના સ્તરમાં કાપો મુકવો ફરજીયાત હોવાથી આમ કરવું જરૂરી હોય છે. આ કારણસર તમારા સર્જન એવું ઈચ્છે છે કે સર્જરીના સમયે તમારી અન્નનળી અંદરથી એકદમ સ્વચ્છ હોય, તેમાં કોઈ ખોરાકના કણ ન હોય. સર્જરીના થોડા કલાકોમાં દર્દી પથારીમાંથી ઊભા થઈ હલનચલન કરી શકે છે. સર્જરીના બે દિવસ પછી પ્રવાહી અને ત્યારબાદ થોડા દિવસોમાં નરમ ખોરાક આપવાનું શરૂ કરાય છે. શરૂઆતના દિવસોની આ પરેજી અન્નનળીને આરામ આપી અન્નનળીના અંદરના સ્તરમાં મુકેલ કાપાને રૂઝાવા માટે છે.
આ પ્રક્રિયાથી તકલીફમાં સુધારો લેપ્રોસ્કોપિક સર્જરી જેવો જ હોય છે અને ટૂંકા ગાળાના ખૂબ સારા પરિણામ દેખાય છે. પરંતુ, આ પ્રક્રિયા નવી હોવાથી તેના લાંબાગાળાના પરિણામો કેવા હશે તે જોવાના રહેશે. આ પ્રક્રિયાનો મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં એન્ટી-રિફ્લક્સ પ્રક્રિયા એટલેકે ફન્ડોપ્લાઈકેશનનો સમાવેશ થતો નથી. આથી 40-60% દર્દીઓમાં એસિડરિફ્લક્સ થવાની શક્યતા રહે છે. સર્જરી પછી જે દર્દીઓમાં એસિડરિફ્લક્સ થાય છે તેમણે લાંબા સમય સુધી એન્ટાસિડ દવાઓ લેવી પડે છે.
એકેલેસીયાની કોઈપણ સારવાર તેની પાછળના જવાબદાર મૂળ રોગનું નિવારણ કરતી નથી તથા ભવિષ્યમાં અન્નનળીનું કેન્સર થવાની શક્યતા વધુ હોવાથી નિયમિત ફોલો-અપ તપાસ જરૂરી છે.
તેનો મુખ્ય ધ્યેય ફરીથી થતા લક્ષણો કે GERD જેવા અન્ય કોમ્પ્લિકેશનનું યોગ્ય સમયે નિદાન અને સારવાર કરવાનો હોય છે.
આશા રાખીએ કે આ માહિતી તમને સારવારના વિવિધ વિકલ્પોને સમજવામાં મદદરૂપ થઈ હશે. તમે ઇસોફેજિયલ મેનોમેટ્રી ટેસ્ટને લગતો અમારો વિડીયો જોઈ શકો છો.
વધારે માહિતી કે સ્પષ્ટતા માટે અમને 8146078064/8469327630 પર કૉલ કરો અથવા તમારા રિપોર્ટ વ્હૉટ્સપ કરો અથવા drchiragthakkar1307@gmail.com પર ઈ-મેલ કરો.
Esophageal motility problem જેવા કે એકેલેસિયા કાર્ડીયા અને GERD ની સારવાર માં અમને વિશેષ રુચિ છે અને તેથી અમે તેની સારવાર વધુ સારા પરિણામ સાથે કરી શકીયે છે . અમારા સેન્ટર પર તકલીફને સંપૂર્ણપણે ચકાસવા તથા તેની સારવાર માટેની દરેક સુવિધા પ્રાપ્ય છે. અમારું સેન્ટર બહુ ઓછા સેન્ટરમાંનું એક સેન્ટર છે કે જ્યાં ઇસોફેજિયલ મેનોમેટ્રી અને 24Hr pH with impedence study જેવી સુવિધા મળે છે. એડ્રોઇટ એક સેન્ટર તરીકે અને ડો.ચિરાગ ઠક્કર એક નિષ્ણાત તરીકે આ પ્રકારની તકલીફની સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. દર્દી કેવા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે તે અમે સારી રીતે સમજી શકીએ છીએ. અને સારવાર તથા સર્જરી સિવાય પણ દર્દીને વધુ ઉત્કૃષ્ટ પરિણામ મળે તે માટે અમે વિશેષ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આ જ કારણથી અમારા સેન્ટર પર દર્દીને સારા પરિણામ તથા સંપૂર્ણ સંતોષ મળે છે. આથી જ દર્દીઓ અમને એકેલેસિયા કાર્ડીયાની ઉત્કૃષ્ટ સારવારનું રેટિંગ(માનાંક) આપે છે.