બેરિયાટ્રિક પછી મેળાવડામાં ભોજન કરતી વખતે, શું તમને ચિંતા થાય છે ? તો મેળાવડામાં ભોજનનો આનંદ માણવા માટે આ લેખ વાંચો. આ લેખ તમને ખોરાકનો આનંદ માણવા માટે માર્ગદર્શન આપશે. આ લેખ એવી વ્યક્તિઓ માટે છે કે જેઓએ બેરિયાટ્રિક સર્જરી કરાવી છે અથવા કરાવવાનું વિચારી રહ્યા છે.
બેરિયાટ્રિક સર્જરી પછી સામાજિક મેળાવડામાં ખાવા-પીવાની રીત-ભાતને લઈને દર્દીના મનમાં ઘણી ચિંતા અને બેચેની હોય છે. જેમ કે, બેરિયાટ્રિક સર્જરી પછી, મિત્રો અને સંબંધીઓ સાથે સામાજિક મેળાવડામાં અથવા રેસ્ટોરન્ટમાં જવાનો અનુભવ પહેલા જેવો સામાન્ય રહેશે નહીં. દરેકની સાથે હોવા છતાં, તમારે અલગ રીતે આહાર લેવો પડશે. તમને એવું થતું હશે કે જો બધાને ખબર પડશે કે તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી છે, તો તેઓ તમને સર્જરી વિશે પૂછવા લાગશે. આવા પ્રશ્નો મનમાં આવે તે ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ તમારે આ વિચારો અને પ્રશ્નોથી પરેશાન થવાની જરૂર નથી. તેના બદલે તમારા આહારને એકદમ સામાન્ય રીતે લો.
જ્યારે તમે એ હકીકતને ધ્યાનમાં રાખશો કે બેરિયાટ્રિક સર્જરી પછી દરેક તબક્કા માટે અલગ-અલગ સલાહ અને માર્ગદર્શિકા હોય છે અને જો તમે એના પ્રમાણે આહારનું પાલન કરો છો, તો રેસ્ટોરાંમાં બહાર ખાવાનો તમારો અનુભવ એકદમ સામાન્ય અને સરળ રહી શકે છે. જ્યારે પણ બેરિયાટ્રિક સર્જરીના દર્દીઓ બહાર ખાવાનું વિચારે છે, ત્યારે તેઓએ તેમના સર્જન અને ડાયેટિશિયન દ્વારા આપવામાં આવેલી આહાર માર્ગદર્શિકાનું પાલન કરીને ભોજન કરવું જોઈએ.
તમે જાણો જ છો કે બેરિયાટ્રિક સર્જરી પછી તમારો આહાર ઘટી જાય છે. તમે ઘણી ઓછી માત્રામાં ખોરાક લઈ શકો છો. આથી, તમે શું જમો છો તે ઘણું જ મહત્વપૂર્ણ બની જાય છે. ઓછી માત્રામાં આહાર લઈને પણ શરીરમાં પોષણ જાળવી રાખવું ખુબ જ જરૂરી છે.
બહાર જમતી વખતે, એ મહત્વનું છે કે તમે એવી રેસ્ટોરન્ટ પસંદ કરો જે સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક પીરસે. આજ-કાલ ઘણી રેસ્ટોરાં હવે ઓછી-કાર્બોહાઇડ્રેટ અને ઓછી કેલરીવાળા વિવિધ વિકલ્પો આપે કરે છે જે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા લોકો માટે યોગ્ય છે. એવા રેસ્ટોરન્ટ્સ શોધો કે જે તળેલાને બદલે શેકેલા અથવા બાફેલા વિકલ્પો પ્રદાન કરે છે.
રેસ્ટોરન્ટમાં જતાં પહેલાં, મેનૂનો ઓનલાઈન અભ્યાસ કરો અને તમારા આહારની માર્ગદર્શિકા અનુસાર તંદુરસ્ત વિકલ્પો શોધો. જ્યારે ખાવાનો સમય હોય, ત્યારે તમારા ખોરાકના વિકલ્પની પસંદગી સમજદારીપૂર્વક કરો . ધ્યાનથી વિચારો કે તમે શું ખાવા માંગો છો અને કયો વિકલ્પ તમારા માટે સ્વાસ્થ્યપ્રદ રહેશે. કારણ કે તમારી પાસે બીજા વ્યક્તિઓ જેટલા વિકલ્પો નહીં હોય. તેથી, તમારા ખોરાકને યોગ્ય રીતે પ્રાથમિકતા આપો, યોગ્ય રીતે મેનૂ જુઓ અને પછી તમારી પસંદગી અનુસાર તંદુરસ્ત ખોરાકના સીમિત વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો શક્ય હોય તો, પ્રોટીન આધારિત ભોજનનો ઓર્ડર આપો અને વધુ ચરબી(ફેટ) અને ખાંડવાળા ખોરાકને ટાળો.
આ સંબધિત વીડિયો જુઓ
બેરિયાટ્રિક સર્જરી પછી, તમારું પેટ નાનું થઈ જશે, જેનો અર્થ છે કે તમારે થોડી-થોડી માત્રામાં(in small portions) આહાર લેવાની જરૂર પડશે. પીરસવામાં આવતા ખોરાકની માત્રા એટલે કે માપ મેનુમાં લખેલું હોય છે જેના પર ધ્યાન આપો અને અડધા ભાગ માટે પૂછવામાં અથવા બચેલો ખોરાક ઘરે લઈ જવાથી ડરશો નહીં. સાથે-સાથે એ વાત હંમેશા ઘ્યાનમાં રાખો કે તમારા ભોજનની માત્રાની (પોર્શન સાઈઝની) તુલના અન્ય કોઈના ભોજનની માત્રાની સાથે ન કરો. અથવા જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આ બાબતે ટિપ્પણી કરે ત્યારે તમારી જાતને પરેશાન કરશો નહીં. અથવા અજીબ કે ખરાબ લગાડશો નહીં કારણ કે સર્જરી પછી અન્ય વ્યક્તિના પેટ અને તમારા પેટની સાઇઝમાં ઘણો ફર્ક હોય છે.બની શકે કે શરૂઆતના દિવસોમાં તમારો આહાર થોડો ઓછો હોય, પરંતુ થોડાં જ મહિનામાં, તમે યોગ્ય માત્રામાં આહાર લઈ શકશો. તેથી બેરિયાટ્રિક સર્જરીને કારણે તમારા શરીરમાં આવતા સ્વસ્થ ફેરફારો જોઈને હંમેશા તનાવમુક્ત, હળવા અને ખુશ રહો.
બેરિયાટ્રિક સર્જરી પછી, સોડા, જ્યુસ અથવા આલ્કોહોલ જેવા વધારે કેલરીવાળા પીણાં ટાળવા મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં વધુ પડતી કેલરી હોય છે અને તે તમારા વજન ઘટાડવાની પ્રગતિને ધીમી કરી શકે છે. તેના બદલે, પાણી અથવા ખાંડ વગરની ચા પસંદ કરો.
ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે હળવા-મળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. તેમની કંપનીનો આનંદ માણો અને વાતચીતમાં જોડાઓ. આથી તમારું મન જમવાથી દૂર થશે અને અતિશય ખાવાની ઇચ્છા નહીં થાય. ભોજન અને સામાજિક મેળાવડાનો આનંદ માણવાનો પ્રયાસ કરો, ઓછી માત્રામાં ખોરાકની લેવાથી તેમાં કોઈ ફરક પડતો નથી. એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે ભોજન કરતાં અન્યો સાથે હળવું-મળવું વધુ મહત્વનું છે. તેથી, જ્યારે પણ તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, ત્યારે ખાતરી કરો કે તમે તેનો આનંદ લઈ રહ્યા છો, મોજ-મસ્તી કરી રહ્યા છો, અને તમારા મિત્રો, કુટુંબીજનો અથવા તમારા પ્રિયજનો સાથે ઘણી વાતો કરી રહ્યા છો કારણ કે જ્યારે તમે ઘણી વાતો કરો છો, ત્યારે તમે ખૂબ જ ધીમેથી ખાશો અને ખૂબ જ ઓછું ખાશો. તેથી, તમે જેટલું વધુ વાત કરશો, તેટલું ઓછું અને ધીમા તમે ખાશો. તેથી, બેરિયાટ્રિક સર્જરી પછી દરેક તબક્કે, તમે ચોક્કસપણે તમારા મિત્રો અને પરિવાર સાથે બહાર રેસ્ટોરેન્ટમાં અથવા સામાજિક મેળાવડામાં કોઈપણ સંકોચ વિના ચોક્કસપણે ખાઈ શકો છો.
હંમેશા યાદ રાખો કે તમારો ખોરાક સમજી વિચારીને ખાઓ અને તમે જે જમો છો તેનો આનંદ માણો, ધીમે ધીમે ખાઓ અને ખોરાકને સારી રીતે ચાવો અને જ્યારે તમને લાગે કે તમારું પેટ ભરાઈ ગયું છે ત્યારે જમવાનું બંધ કરો. ધીમે ધીમે ખાવાથી અને તમારા ખોરાકનો સ્વાદ માણવાથી તમે વધુ સંતોષ અનુભવશો અને તમે વધુ પડતું ખાવાનું ટાળી શકશો. આનાથી ઉતાવળમાં ખાવાથી થતી અસ્વસ્થતા અને પાચન સમસ્યાઓને રોકવામાં મદદ મળશે. તમારો પૂરતો સમય લો અને તમારા ભોજનનો આનંદ લો.
આમ, તમે બેરિયાટ્રિક સર્જરીના કયા તબક્કામાં છો તેના આધારે, તમારે હંમેશા આહારને લગતી કેટલીક માર્ગદર્શિકાઓ ધ્યાનમાં રાખવાની રહેશે અને ડાયેટિશિયન તરીકે, અમારી ભૂમિકા તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાની છે જેથી બહાર ખાવાનો તમારો અનુભવ વધુ સામાન્ય અને સરળ બને. હંમેશા યાદ રાખો કે તમારો ખોરાક સમજપૂર્વક લેવો અને તમે જે ખોરાક લઈ રહ્યા છો તેનો આનંદ માણો, ધીમે ધીમે ખાઓ અને ખોરાકને સંપૂર્ણ રીતે ચાવો અને જ્યારે તમને લાગે કે તમારું પેટ ભરાઈ ગયું છે ત્યારે જમવાનું બંધ કરો.
અંત માં, બેરિયાટ્રિક સર્જરી પછી સામાજિક મેળાવડામાં ખાવું એ પડકારરૂપ હોઈ શકે છે, પરંતુ યોગ્ય સમજ અને માનસિકતા સાથે, સર્જરી પછીના આહારની માર્ગદર્શિકાને વળગી રહીને સામાજિક પ્રસંગોનો આનંદ માણવો શક્ય છે. અગાઉથી આયોજન કરવાનું યાદ રાખો, સમજદારીપૂર્વક પસંદગી કરો, ધીમે ધીમે ખાઓ, વધારે કેલોરીવાળા પીણાં તથા આલ્કોહોલનું સેવન ટાળો અને તમારા આસપાસના લોકો સાથે મજા કરો. સમય અને અનુભવ સાથે, તમે સામાજિક પરિસ્થિતિઓને સહજતાથી સંભાળી શકશો અને હંમેશા માટે સ્વસ્થતાથી ભોજન અને સ્વજનોને હળવા-મળવાનો આનંદ માણી શકશો.