અનુક્રમણિકા:
GERD, એસિડ રિફ્લક્સ, અને હાયટ્સ હર્નીયા બધા એક જ સ્થિતિને દર્શાવે છે, જેમાં જઠરમાંથી એસિડ અન્નનળીમાં પાછું વહે છે, જેની સારવાર ઘણીવાર લેપ્રોસ્કોપિક ફંડોપ્લિકેશન સર્જરી દ્વારા કરવામાં આવે છે. GERD અથવા એસિડ રિફ્લક્સથી લાંબા ગાળાની રાહત માટે સ્વસ્થ આહારની યોજના એ સારવારનું અભિન્ન પાસું છે. વાસ્તવમાં, પાચન શક્તિને લાંબા સમય માટે જાળવવા માટે આહાર એ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે, માત્ર પાચન શક્તિ જ નહીં પરંતુ સમગ્ર આરોગ્યની જાળવણી માટે પણ. તંદુરસ્ત આહાર તમને આરોગ્યના તમામ ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પછી તે પાચન હોય, હૃદય કાર્ય, બ્રેઈનનું કાર્ય અને ન્યુરોલોજીકલ કાર્ય, માનસિક સ્વાસ્થ્ય, હોર્મોન્સનું બેલેન્સ અથવા સ્નાયુઓ અને હાડકાંની તંદુરસ્તી હોય.
GERDથી પીડિત વ્યક્તિએ વધતી તકલીફને લીધે ખોરાકમાં એવા ઘણા બધા પદાર્થો લેવાનું ટાળવું પડે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. GERD/એસિડ રીફ્લક્સ કે જે ખરાબ જીવનશૈલીનો રોગ છે, જે ઘણીવાર સ્વાસ્થ્ય માટે જરૂરી એવાં આહાર પર પ્રતિબન્ધ મૂકે છે. આમ, ફંડોપ્લિકેશન સર્જરી પછી, સાઇટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટાં ફળો, કેલ્શિયમથી ભરપૂર મિલ્ક પ્રોડક્ટસ, ડુંગળી અને લસણ જેવા પ્રીબાયોટિક્સ, પ્રોબાયોટિથી ભરપૂર દહીં અને અથાણાં જેવા તંદુરસ્ત ખોરાક લેવા પર કોઈ પ્રતિબંધ નથી. GERDની ગંભીરતા સાથે આવતા ખોરાકની માત્રા પરના નિયંત્રણો પણ આ ફંડોપ્લિકેશન સર્જરીથી દૂર થાય છે. જો કે, આ પરિણામ સર્જરી પછી સમય જતાં ધીમે ધીમે થાય છે.
અમે ગંભીર એસિડ રિફ્લક્સ ધરાવતા દર્દીઓને કાયમ જોતા હોઈએ છીએ. તેઓ તેમના લક્ષણોની તીવ્રતાને કારણે ઘણાં બધાં આરોગ્યવર્ધક ખાદ્ય પદાર્થો લઈ શકતા નથી. આવી વ્યક્તિઓમાં 5-10 કિલોગ્રામ જેટલું વજન ઘટવું એ અત્યંત સામાન્ય છે. મેં ગંભીર GERD ધરાવતા દર્દીઓમાં 30 કિગ્રા વજન ઘટ્યું હોય તેવાં દર્દીઓ જોયા છે. વજનું ઘટવું એ માત્ર એક લક્ષણ છે; ખરેખર આવા દર્દીઓમાં પોષક તત્ત્વોની ઉણપ હોય છે અને આ ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. આવા તમામ દર્દીઓમાં લેપ્રોસ્કોપિક ફંડોપ્લીકેશન સર્જરીનો મુખ્ય ધ્યેય તેમને સર્જરી પછી સામાન્ય આહાર લેતા કરવા અને PPI એન્ટાસિડ દવાઓ બંધ કરાવવાનો છે. મોટાભાગના દર્દીઓમાં, અમે સર્જરી પછી સામાન્ય, સ્વસ્થ આહાર ફરીથી લઈ શકે તેમ કરવામાં સફળ રહીએ છીએ.જે તેમને ગુમાવેલું વજન પાછું મેળવવા, પૂરતું પોષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાંમાં મહત્વનો ફાળો ભજવે છે .
સર્જરી પછી, શરૂઆતના દિવસોમાં પ્રાથમિક ચિંતા ખોરાક ગળવામાં પડતી તકલીફની છે. મોટા ભાગના દર્દીઓને સર્જરી પછી ખોરાક ગળવામાં અમુક અંશે તકલીફ થશે. તે તેમની ફૂડ પાઇપ (અન્નનળી)ના કાર્ય અને ગતિશીલતા(motility) અને સર્જરીની રીત(wrap ની ડિગ્રી, 360 Nissen, 270 Toupet, 180 અથવા 90 Dor) પર આધારિત હશે. દર્દીના સ્ટ્રેસનું લેવલ અને ખોરાક ખાવાની રીત પણ ગળવામાં પડતી તકલીફને અસર કરે છે.
અમારી હોસ્પિટલમાં, અમે સર્જરીના લગભગ 4-6 કલાક પછી સર્જરીના દિવસે સોફ્ટ ફૂડ શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ તેમને પ્રવાહી આપવામાં આવે છે, અને એકવાર તેઓ પ્રવાહી આરામથી લઈ શકે પછી નરમ આહાર શરૂ કરવામાં આવે છે. આ તબક્કે, અમે તેમને ખોરાકને યોગ્ય રીતે ચાવવા અને હળવા મનની સ્થિતિમાં ધીમે ધીમે ખાવાની સલાહ આપીએ છીએ. મોટાભાગના દર્દીઓ જરૂરી આરામ સાથે નરમ ખોરાક ખાઈ શકે છે. તેઓને એવું લાગે છે કે ખોરાક થોડો ધીરેથી જઈ રહ્યો છે, અથવા જઠરમાં પ્રવેશતા પહેલા અન્નનળીનાં નીચલા છેડે થોડીક સેકન્ડ અટકીને જાય છે. ક્યારેક ખોરાક સહેલાઇથી ગળી શકાય તે માટે ઘૂંટડો પાણી પીવું પડે તો તે કોઈ સમસ્યા નથી.
દર્દીને થોડા અઠવાડિયા માટે માત્ર પ્રવાહી જ આપવું ફરજિયાત નથી. શરૂઆતના દિવસોમાં નરમ આહાર લેવાનો ડર ન હોવો જોઈએ. આ પ્રોટોકોલને અમારી હોસ્પિટલમાં ઘણા વર્ષોથી અનુસરવામાં આવે છે, અને મોટાભાગના દર્દીને એમાં કોઈ તકલીફ નથી.અમે માનીએ છીએ કે આહાર વહેલો શરૂ કરવાથી દર્દીને તેમના અન્નનળીમાં થતા નવા ફેરફારોને ઝડપથી અનુકૂળ કરવામાં મદદ મળે છે. તે અમને ખુબ વહેલાં એ વાતની ખાતરી કરવામાં પણ મદદ કરે છે કે નવી બનાવેલી wrap ટાઈટ/ચુસ્ત નથી. જો wrap ખૂબ જ ચુસ્ત હોય, તો શરૂઆતના થોડા દિવસોમાં wrapને ફરીથી કરવું સૌથી સરળ છે. જેનાથી આ સર્જરીના લાંબા સમયના કોમ્પ્લિકેશન dysphagia(ખોરાક ગળવામાં થતી સમસ્યા) મદદ કરશે, આમ, આ ફરીથી પાછળથી કરવી પડતી સર્જરીને અટકાવશે, જે સર્જન માટે ટેકનીકલી વધુ પડતી પડકારરૂપ છે અને દર્દી માટે વધુ તકલીફ્કારક હોય છે (નબળા પરિણામો અને કોમ્પ્લિકેશનની શક્યતા વધુ છે).
ખોરાક ગળવાની તકલીફ જે દર્દીને પહેલા દિવસે અનુભવાય છે તે પછીના દિવસોમાં ધીમે ધીમે સુધરે છે. ધારો કે શરૂઆતના 2 દિવસમાં દર્દી નરમ ખોરાક આરામથી લઈ શકે છે. તે કિસ્સામાં,અમે તેમને રોટલી જેવા અન્ય નિયમિત ખોરાકના વિકલ્પો શરૂ કરવાની મંજૂરી આપીએ છીએ. જ્યારે તેઓ સર્જરીના 2-3 દિવસ પછી ફોલો-અપ અને ઘાના ડ્રેસિંગ માટે આવે ત્યારે અમે આ પૂછતાછ કરીએ છીએ. સોફ્ટ ફૂડમાં અમુક અંશે મુશ્કેલી હોય તેવા લોકો માટે, અમે સર્જરી પછી આ સોલિડ ખોરાક લેવાનું 7-10 દિવસ સુધી મોડું શરૂ કરીએ છીએ. અમારા બધા દર્દીઓ માટે આ સાચી હકીકત છે પછી ભલે સર્જરી કોઈ પણ પ્રકારે એટલે કે Wrapની ડિગ્રી (Nissen 360 અથવા Toupet 270) હોય.
આશરે 50% દર્દીઓમાં, અમે 2-3 દિવસમાં આ સોફ્ટ ફૂડથી રોટલી સુધીની પ્રગતિ કરી શકીએ છીએ, અને અમારા લગભગ તમામ દર્દીઓ સર્જરીના 7-10 દિવસ પછી રોટલી અને તેના જેવા અન્ય સોલિડ ખોરાક ખાઈ શકે છે. ધીમે ધીમે, જ્યારે તેઓ આ ખાદ્યપદાર્થો સાથે આરામદાયક હોય છે, ત્યારે અમે ગળવામાં વધુ મુશ્કેલ હોય તેવાં માંસ,ચિકન જેવાં માંસાહારી અને શુષ્ક(Dry) શાકાહારી ખોરાકના વિકલ્પોની મંજૂરી આપીએ છીએ. જેમ જેમ વધુ દિવસો પસાર થાય છે તેમ તેમ ગળવામાં મુશ્કેલી અનુભવતા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે અને 6-8 અઠવાડિયા સુધીમાં લગભગ તમામ દર્દીઓ સામાન્ય રીતે તમામ ખોરાક ખાઈ શકે છે. અમે અમારા મોટાભાગના દર્દીઓમાં 360 Nissen કરીએ છીએ, અને આ પરિણામો અમારા નિસેન ફંડોપ્લિકેશનના દર્દીઓ માટે સાચા છે.
તમને તમામ બિનઆરોગ્યપ્રદ ખોરાક પર શક્ય તેટલી પાબંધી રાખવાની સલાહ આપવામાં આવે છે. બધા તળેલા ખોરાક અને વધુ પડતા તેલ, ઘી અને માખણવાળો ખોરાકને ટાળવો જોઈએ. વધુ પડતા મસાલાદાર અને પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકને ટાળવો જોઈએ. જ્યારે પણ તમારે આવો ખોરાક ખાવાનો થાય ત્યારે તમારે તમારા નિયમિત ભોજનની માત્રા કરતા ઓછું ખાવું જોઈએ. તમારે તમારા આહારમાં આવા ખોરાકને વારંવાર ના ખાવો જોઈએ. આવા ખોરાકને ટાળવાથી GERD અને એસિડ રિફ્લક્સથી કાયમી રાહત મેળવવામાં મદદ મળે છે અને અન્ય પાચન સમસ્યાઓ પણ અટકે છે. આજકાલ જોવા મળતી મોટાભાગની કાયમી સ્વાસ્થ્ય સમસ્યાઓનું આ મુખ્ય કારણ છે, જેમાં કાર્ડિયાક સમસ્યાઓ, ફેટી લિવર, ડાયાબિટીસ અને અન્ય મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેથી, આ સલાહને અનુસરવાથી તમારું સ્વાસ્થ્ય બધી જ રીતે સુધરશે.
એવા તમામ ખાદ્ય ચીજો કે જે પ્રોસેસ્ડ હોય, પેકીંગમાં સ્ટોર્સમાં લાંબા સમય સુધી સારા રહે તે રીતે મળતાં હોય તેવાં દરેક ખાદ્ય પદાર્થોને શક્ય તેટલાં ટાળવા જોઈએ. આ સલાહ માત્ર GERD, એસિડ રિફ્લક્સ અને ફંડોપ્લિકેશનને જ લાગુ પડતી નથી પણ સામાન્ય રીતે અન્ય દરેક પાચન સમસ્યાઓ માટે પણ લાગુ પડે છે. GERDની સર્જરીના દર્દીની જેમ જ પાચન સંબંધી અન્ય તમામ સમસ્યાઓ (જેમકે કબજિયાત, IBS અને અન્ય કાર્યાત્મક સમસ્યાઓ)થી પીડાતાં દરેક દર્દીઓએ આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ ખાદ્ય પદાર્થોને ટાળવા જોઈએ.
બધા ફિઝી અને કાર્બોનેટેડ પીણાં સંપૂર્ણપણે ટાળવા જોઈએ. આ ડ્રીંક્સથી પેટનું ફૂલવું/ ભારે લાગવું અને અસ્વસ્થતા થવાની સંભાવના ઘણી છે અને નવા બનાવેલા વાલ્વ અથવા wrap પર દબાણ વધવાની સંભાવના છે. લાંબા ગાળાના સારા પરિણામો માટે આલ્કોહોલ, તમાકુ અને ધૂમ્રપાનની પણ સંપૂર્ણપણે સખત મનાઈ છે.
હા, તમે પી શકો છો. અમારી સલાહ છે કે તમે ચા/કોફી ઓછી માત્રામાં પી શકો છો. દિવસમાં બે વાર એક નાનો કપ જેટલી પી શકાય. કોફી કરતાં ચા વધુ સારી રહેશે. ચા અને કોફી માત્ર જઠર અને અન્નનળીને જ નહીં પરંતુ આંતરડાના કાર્યને પણ અસર કરે છે. આથી, એવા લોકો છે કે જેમને ચા અથવા કોફીથી પીવાથી પેટ અપસેટ થાય છે તેમણે એ સમજવાની જરૂર છે કે તમારું પાચનતંત્ર,અમુક હદ સુધી જ ચા, કૉફી સહન કરી શકે છે અને તમારે તમારા શરીરને અનુકૂળ આવે તે રીતે તેની માત્રા અને કેટલી વાર પીવી તે નક્કી કરવું જોઈએ.
મેં આ લેખમાં અગાઉ લખ્યું હતું તેમ, તંદુરસ્ત આહાર એ છે જે શરીરની તમામ અંગોના કાર્ય માટે સારું હોય. અમારા બધા GERDના દર્દીઓ, પછી ભલે તેમની સારવાર સર્જરીથી કરવામાં આવતી હોય કે માત્ર દવાથી કરવામાં આવતી હોય, અમે તેમને એવાં જ ખોરાકની સલાહ આપીએ છીએ. જો તેઓ સામાન્ય સ્વસ્થ આહાર ના લઈ શકતા હોય, તો પછી અમે અમારી સારવારમાં ક્યાંક ખોટા છીએ. આમાં કેટલાંક અપવાદ હોય છે. જેમકે એવા દર્દીઓ કે જેમનાં જિનેટિક મેક-અપને કારણે, અથવા ભૂતકાળની બીમારી અથવા સારવારને કારણે તેમના આંતરડાના બેક્ટેરિયા (માઇક્રોબાયોમ)માં ગંભીર બદલાવને કારણે અથવા ભૂતકાળમાં કરેલ મોટી ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરીને કારણે પાચનતંત્રમાં થયેલ ફેરફારને કારણે અમુક ખોરાક લઈ તેમને તકલીફ કરે છે. આવા અપવાદરૂપ કિસ્સાઓમાં પણ, જે ખોરાકથી તેમને તકલીફ થતી હોય તેવાં અમુક ખોરાક પર પ્રતિબંધો સાથે સામાન્ય તંદુરસ્ત આહાર શક્ય છે.
સાઇટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટાં ફળો હવે ખાઈ શકાય છે. ડુંગળી, ટામેટાં અને લસણ સહિત પરંપરાગત આહારમાંના દરેક શાકભાજી(ભલે દર્દી ગમે તે પ્રદેશના હોય) પર કોઈ મનાઈ નથી. શરૂઆતના દિવસોમાં ગળવાની તકલીફમાં સુધારો થયા પછી, માંસ, ચિકન અને માછલી જેવા માંસાહારી ખોરાક પણ ખૂબ સારી રીતે લઈ શકાય છે. જો કે, અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે તંદુરસ્ત રીતે રાંધવામાં આવે, અને એ માંસાહારી ખોરાક તળેલો, ખૂબ તેલયુક્ત અથવા મસાલેદાર નથી. જો હું સૌથી સરળ રીતે કહું તો, તમે બાળપણથી અને તમારા વડવાઓ પેઢીઓથી જે ખાતા આવ્યા છે, તે તમામ પરંપરાગત ખોરાક તમે ખાઈ શકો છો.
ફંડોપ્લિકેશન સર્જરી પછી શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે, અમે દર્દીઓને આરામની સ્થિતિમાં ખાવા, ખોરાકને યોગ્ય રીતે ચાવવાની અને ધીમે ધીમે ખાવાની સલાહ આપીએ છીએ. આ નિયમ પાણી અને અન્ય પ્રવાહીને પણ લાગુ પડે છે, અને તે પણ ધીમે ધીમે પીવું જરૂરી છે. શરૂઆતના થોડા અઠવાડિયા માટે, આ સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ખોરાક ગળવામાં પડતી મુશ્કેલી ને ઘટાડવામાં મદદ કરે છે.
બાદમાં, જ્યારે ગળવામાં કોઈ મુશ્કેલી ન હોય ત્યારે પણ, અમે દર્દીઓને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના બાકીના જીવન માટે યોગ્ય રીતે ચાવીને અને ધીમે ધીમે ખાવા-પીતા રહે. આ આદત તેમને અન્નનળી અને જઠર સંબંધિત સમસ્યાઓમાંથી કાયમી રાહત મેળવવામાં મદદ કરશે. ઝડપથી ખાવાથી ખોરાક પૂરતો ચાવ્યા વગર ગળી જવાય છે અને ગળવાની પ્રક્રિયામાં કાર્ય કરતાં વિવિધ સ્નાયુઓ વચ્ચેના સંકલન (coordination)ને નબળું બનાવે છે, જેનાથી ઘણીવાર વધુ પડતો આહાર લેવાઈ જાય છે. આમ, જો તમારું પાચનતંત્ર સામાન્ય રીતે કામ કરતું હોય તો પણ, ઝડપથી ખાવાની આદત એકંદરે વિવિધ પાચન સંબધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે.
દર્દીઓએ જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ અને જ્યારે તેમને પેટ ભરેલું લાગે ત્યારે ખાવાનું બંધ કરવું જોઈએ. ફંડોપ્લિકેશન સર્જરી પછી, શરૂઆતમાં, કેટલાક દર્દીઓ ઓછી માત્રામાં ખોરાક સાથે પેટ ભરેલું અનુભવી શકે છે અને પછી થોડા કલાકોમાં ભૂખ લાગી શકે છે. તેથી, તેમને વધુ વારંવાર ખાવાની જરૂર પડી શકે છે. તે 6-8 અઠવાડિયામાં ધીમે ધીમે સુધરે છે, અને તેઓ એક જ વારમાં સામાન્ય માત્રામાં ખોરાક ખાઈ શકે છે. પણ ભૂખ લાગે ત્યારે જ ખાવાની અને પેટ ભરાઈ જાય કે તરત જ બંધ કરી દેવાની સલાહ આજીવન અનુસરવી જોઈએ. આ દરેક વ્યક્તિ માટે, ભલે એમને કોઈપણ પાચન સમસ્યા હોય કે ના હોય અથવા ફંડોપ્લિકેશન સર્જરી કરાવી હોય કે ના હોય, ખાવાની એક આદર્શ રીત છે.
તમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાથે વિડિયો કન્સલ્ટેશન બુક કરી શકો છો. +91-8156078064 પર કૉલ કરો અથવા એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે અમારો સંપર્ક કરો.
કન્સલ્ટેશન માટે ADROIT Centre for Digestive and Obesity Surgery ની મુલાકાત લો.
અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
ડૉ. ચિરાગ ઠક્કર ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ સર્જન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી અમદાવાદ, ગુજરાત, ભારતમાં ડાયજેસ્ટિવ અને વજન ઘટાડવાની/બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા છે. GERD માટે સર્જરી, હાયટ્સ હર્નીયા અને મેદસ્વીતા એ તેમના રસ અને કુશળતાના મુખ્ય ક્ષેત્રો છે.
Dr Chirag Thakkar
Senior Gastrointestinal and Bariatric surgeon
GERD and Esophageal Motility Expert
Hernia Surgery Specialist
Founder Director of ADROIT Centre for Digestive and Obesity Surgery